#વાંઢિયામાં
Автор: KUTCH KANOON AND CRIME NEWS
Загружено: 2025-12-12
Просмотров: 598
#ભચાઉના વાંઢિયામાં વીજલાઈન મુદ્દે ખેડૂતોનું ઉગ્ર આંદોલન બન્યો...
#ગાંધીધામ–સામખિયાળી ધોરીમાર્ગ પર 8 કલાક ચક્કાજામ કરાયો...
#ભચાઉ તાલુકાના વાંઢિયા ગામમાં છેલ્લા ચાર માસથી ચાલી રહેલા વીજલાઈન કામ મુદ્દે ખેડૂતોનો સંઘર્ષ હવે ઉગ્ર બન્યો હતો. ખેડૂતોની વિવિધ 10 મુદ્દાની માગણીઓને લઈને ગાંધીધામ–સામખિયાળી ધોરીમાર્ગ પર ચક્કાજામ કરવામાં આવ્યું હતું, જેના કારણે કલાકો સુધી વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયો હતો. બંને તરફ અનેક કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી ગઈ હતી. અંતે મોડી રાત્રે સમાધાન બાદ લગભગ 8 કલાક પછી માર્ગ ખુલ્લો કરાયો હતો. મળતી માહિતી મુજબ, વાંઢિયા ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી એકમ દ્વારા વીજલાઈન સંલગ્ન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી દરમ્યાન ખેતીની જમીનમાંથી વીજલાઈન પસાર થતી હોવા છતાં ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં ન આવતા ભારે નારાજગી ફેલાઈ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 115 દિવસથી વિરોધ કરનાર ખેડૂતોને પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવી રહ્યા છે અને પોલીસ દમન થઈ રહ્યું છે. આ વિવાદ વચ્ચે કિસાન સંઘના રાજ્ય અને જિલ્લા કક્ષાના પ્રતિનિધિઓ, તેમજ વિવિધ તાલુકાના ખેડૂત અગ્રણીઓ વાંઢિયા પહોંચ્યા હતા. અહીં ખેડૂતોના અન્યાય મુદ્દે સભા યોજાઈ હતી અને સ્પષ્ટ માંગ ઉઠાવવામાં આવી હતી કે વળતરનો પ્રશ્ન ઉકેલાય ત્યાં સુધી વીજલાઈનનું કામ તાત્કાલિક સ્થગિત રાખવામાં આવે. સમાધાન ન થતાં નારાજ ખેડૂતોએ ગત બપોરથી ગાંધીધામ–સામખિયાળી ધોરીમાર્ગ પર વોંધ પાસે બ્રિજ નજીક ચક્કાજામ શરૂ કર્યું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરતાં કચ્છથી આવતા-જતા વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી. જો કે, આંદોલન દરમ્યાન માનવતાનું ઉદાહરણ આપતાં ખેડૂતો દ્વારા એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો હતો. આંદોલન છાવણી કિસાન અગ્રણી દામજી બાળાએ જણાવ્યું હતું કે, કચ્છના વિવિધ તાલુકાઓમાંથી તેમજ પ્રદેશ કક્ષાના ખેડૂત વહેલી સવારથી અહીં એકત્ર થયા હતા. આંદોલન કન્વીનર શિવજીભાઈ બરારિયા અને પ્રદેશ પ્રમુખ જગમાલભાઈ આર્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાંબી ચર્ચા બાદ જિલ્લા કલેક્ટરે મધ્યસ્થતા કરી વચલો માર્ગ કાઢ્યો હતો. કલેક્ટરે સ્પષ્ટ જણાવ્યું કે, ખેડૂતોના વળતર મુદ્દે સમાધાન થાય ત્યાં સુધી વીજલાઈનનું કામ બંધ રાખવામાં આવશે. આ ખાતરી બાદ મોડી રાત્રે માર્ગ ખુલ્લો કરાયો અને વાહનવ્યવહાર ધીમે ધીમે પૂર્વવત થયો હતો. બીજી તરફ, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, છેલ્લા 110 દિવસથી ખેડૂતો યોગ્ય વળતર માટે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ સરકાર ઉદ્યોગપતિઓના પક્ષમાં ઊભી રહી ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે. જો તાત્કાલિક યોગ્ય વળતર નહીં મળે તો જિલ્લાભરમાં આંદોલન શરૂ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
#અહેવાલ પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: